02 March 2010

મોતની બીક (સત્ય ઘટના)



                         સંજય તેની પપ્પાની બાઇક ઉપર જઇ રહ્યો હતો. પપ્પા બાઇક ચલાવી રહ્યા હતા, અને સંજય પાછળ બેઠો હતો, આગળ ટ્રાફીક જામ હતો, પપ્પાએ ધીમે રહીને બાઇક સાઇડમાં થોડીક જગ્યા હતી ત્યાથી કાઢી, સંજયે જોયુ તો કોઇ એક્સીડન્ટ થયેલો હતો. કોઇ સાયકલ સવાર બસના પાછળના વિલમાં આવી ગયો હતો અને ત્યાને ત્યા જ પ્રાણ પંખીડુ ઉડી ગયુ હતું. ખોપરી ફાટી ગઇ હતી સફેદ ચાદર ઢાકી હતી પણ સફેદના બદલે તે ચાદર લાલ થઇ ગઇ હતી. સંજય ફફડી ગયો તેણે પહેલી વખત લાશ જોઇ હતી. અને તેની ઉંમર પણ ક્યા હતી ફક્ત 10 વર્ષ, તેની ધ્રુજારી તેના પપ્પાએ પણ અનુભવી, પપ્પાએ પૂછ્યુ કે શું થયું. તે બોલી પણ ન શક્યો ધ્રુજતો ધ્રુજતો બાઇક પાછળ બેસી રહ્યો... તેના મનમાં મોતની બીક પેસી ગઇ... વર્ષો વિતતા ગયા, કોઇ મરણ પ્રસંગમાં જવાનું થતું ત્યારે બૈરાઓના મરશીયા સાંભળીને સંજયના રોમે રોમ ઉભા થઇ જતા થર થર કાંપતો આંખોમાંથી અશ્રુઓનો ધોધ ટુટી પડતો. પછી ભલે મરનાર વ્યક્તિ સાથે તેને કોઇ સંબંધ ન હોય. મોતનો ડર તેના મનમાં ઘર કરી ગયો હતો....

                         સમય વિતતો ગયો. સંજયના લગ્ન થયા. પત્નિને આણું કર્યા વગર તેડી ન લવાય એવા સમાજના રીવાજે પત્નિથી સંજયને અલગ કરી દીધો. આણું લગભગ એકાદ વર્ષ પછી આવે ત્યાં સુધી તેની પત્નિ પિયરમાં રહેવાની હતી. પરંતુ ખબર નહીં કેમ સંજય કોઇ હિસાબે પત્નિથી અલગ થવા માંગતો ન હતો. તે બને તેટલો પત્નિ પાસે રહેવા માંગતો હતો અને આ માટે પત્નિના પિયર નજીક આવેલી એક કોલેજમાં તેણે એડમીશન લઇ લીધુ જેથી અભ્યાસના બહાને તે પત્નિને મળી શકે. સંજય પોતે પણ સમજી નહોતો શકતો કે તેને પોતાની પત્નિ સાથે આટલુ બધુ કેમ રહેવું ગમે છે... તેની પત્નિ પણ તેને ખૂબ જ પ્રેમ આપતી હતી... જ્યારે પણ સમય મળે ત્યારે સંજય પત્નિને મળવા ચાલ્યો જતો એકાદ બે દિવસ તેની સાથે રહેતો... આમને આમ એકાદ વર્ષ પુરુ થવા આવ્યું. રેશમાના(સંજની પત્નિ) આણાની તૈયારીઓ થવા લાગી. પરંતુ સમાજના રીવાજોએ વાર લગાડી દીધી. એવા જ એક સમયે સંજય કોલેજમાંથી સીધો રેશમાના ઘરે ગયો. કેમ જાણે કેમ આજે તેને રેશમાનું વર્તન અલગ લાગી રહ્યું હતું. રેશમાં સંજયને આગ્રહ કરી રહી હતી કે મને વગર આણું તેડે તું તારા ઘેર લઇ જા. મારે પિયરમાં નથી રહેવું. હુ અહીં મરી જઇશ... સંજય કે જે હંમેશા મોતથી બીતો હતો તે કેમ જાણે આજે રેશમાના આવા શબ્દો સાંભળીને મોતની જરાય બીક ન લાગી. રેશમાના શબ્દોથી તે ખબરનહી કે જરા પણ ડગ્યો નહી. અને કહ્યું કે હવે થોડા સમયમાં જ તારુ આણું કરવાનું જ છે પછી શા માટે સમાજમાં આબરુ બગાડીને મારી સાથે ચાલી નિકળવું છે. એમ કહીને તેણે રેશમાને સમજાવી અને બીજા દિવસે બી.એડનું એડમીશન ફોર્મ ભરવાનુ હોવાથી સંજય સુરત જવા નિકળી ગયો. ગમે તે કારણો હોય પણ તે દિવસે રેશમાં તેને ગાંધીનગર સુધી (પીયર માણસા હતુ) મુકવા આવી. સાથે હર્યા ફર્યા ખૂબ આનંદ કર્યો. અંતે રેશમાને જીપમાં બેસાડી સંજય ચાલી નિકળ્યો. જીપમાં જતી રેશમાને એવી નજરે જોઇ રહ્યો કે જાણે ફરી જોવા જ ન મળવાની હોય. બાય કહેતી રેશમાને હાથ હલાવીને બાય પણ ન કહી શક્યો. દિલ રેશમાં પાસે મુકી સંજય પોતાના વતનમા આવી ગયો. ત્યાંથી બીજા દિવસે સૂરત બી.એડનું ફોર્મ ભરી રાત્રે પરત આવ્યો. થોડી વારમાં તેના પપ્પા ઘરે આવ્યા. એટલી વારમાં કોઇ સમાચાર આવ્યા. પપ્પાને રડતા જોઇ સંજયના મનમાં ધ્રાસકો પડ્યો. થોડી વારે પપ્પાએ સ્વસ્થ થઇને સમાચાર આપ્યા કે રેશમા હવે આ દુનિયામાં નથી રહી... સંજયનું જાણે કે સર્વસ્વ લુંટાઇ ગયું. પરંતુ તેના આંખમાંથી એક આંસુ બહાર ન આવ્યું. મોતની બીક લાગતી હતી તે સંજય જાણે કે આજે કઠણ કાળજાનો થઇ ગયો... તેની આંખી જીંદગી જ લુંટાઇ ગઇ .... મનમાંથી મોતની બીક હંમેશા માટે નિકળી ગઇ . કારણ કે તેનો જીવ નિકળી ગયો હતો.... હા સંજય આજે પણ જીવે છે બીજા લગ્ન પણ કર્યા છે. બાળકો પણ છે પરંતુ તે જીવતો નથી કારણકે તે ત્યારે જ મરી ગયો હતો જ્યારે રેશમાના અવસાનના સમાચાર મળ્યા... હાલમાં તે તેની પિતા પતિ પુત્ર તરીકેની સેવા પૂરી કરી રહ્યો છે. પોતાના દુખનો અહેસાસ પણ થવા દેતો નથી... આ વાતને દસ વર્ષ વિતી ગયા. એક મિત્ર સાથે વાતો કરતા દીલ ભરાઇ આવતા આખી વાત બ્લોગ સ્વરૃપે રજુ થઇ ગઇ... (નામ બદલેલા છે.) થેક્સ માય ફ્રેન્ડ.. કે જેમના સાથેની વાતોએ મને દીલ ખોલીને લખવા મજબુર કર્યો.....( આ લેખ દુનિયા છોડી ગયેલી રેશમાને અર્પણ) Thank my best of the Friend........Z......

1 comment:

  1. very touching and heart felt.I hope you can recover from it because you have one new life is waiting for you to enjoy.

    ReplyDelete

તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment